ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ વચ્ચે ગાંધીનગરમાં ઉપરાછાપરી બેઠકો ચાલી રહી છે ત્યારે કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે.


એબીપી અસ્મિતાના રીપોર્ટર્સના અહેવાલ પ્રમાણે, ભાજપ હાઈકમાન્ડે  નીતિન પટેલને મુખ્યમંત્રીપદ આપીને બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. બે નાયબ મુખ્યમંત્રી પૈકી એક નાયબ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી અને એક નાયબ મુખ્યમંત્રી અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી હશે.  આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યને અપાશે એવું કહેવાય છે.


આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ,  ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી રત્નાકર, ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મહામંત્રી વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.


વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અંગે આજે રવિવારે નિર્ણય લેવાવાનો છે.  આ માટે ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે.


ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગાંધીનગર પહોંચી ગયા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત  તેવી શક્યતા છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠકમા નવા નેતાની પસંદગી પર ધારાસભ્યો મંજૂરીની મહોર મારે તે પછી આવતી કાલે સોમવારે રાજ્યપાલ પાસેથી સમય માંગીને ભાજપ દ્વારા સરકાર રચવાનો દાવો કરવામાં આવી શકે છે.