નવરાત્રીમાં ગરબા પાર્ટી પ્લોટમાં નહીં યોજવા પર રાજ્ય સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. માત્ર શેરી ગરબાના આયોજન જ નવરાત્રી દમિયાન થઈ શકશે. પ્રિ ગરબા થઈ શકે કે નહીં તે પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આવુ કોઈ આયોજન ન થઈ શકે. કોર્મશિયલ ગરબાનું આયોજન થઈ શકે તેવી સ્થિતિ હાલ સુધી નથી. 12 વાગ્યા સુધીની કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે. તમામ લોકો માટે નિયમો સરખા છે. ગુજરાતની પ્રજા સમજુ છે સમજદાર છે કોઈ નિયમો નહીં તોડે.


નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિંવત


નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રી માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ રહે.


આમ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની ખૂબ જ નહીવત શક્યતા છે. ત્યારે આ વખતે ખેલૈયાઓ નવરાત્રિમાં મન મૂકીને ગરબા રમી શકશે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં શેરી ગરબાને શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર પણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે નવરાત્રિનું આયોજન થાય તેને લઈને એક્શનમાં આવી ગયું છે. પોલીસ વિભાગ દ્વારા પણ નાઇટ કર્ફ્યૂ અને નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને એક્શન પ્લાન બનાવી લીધો છે.


નાઇટ કર્ફ્યૂ પહેલા ગરબા પૂરા થઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે. એટલું જ નહીં, કોરોના સંક્રમણ ન થાય તે માટે પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે, સરકારે શેરી ગરબામાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે.