સારા વરસાદની ખેડૂતોએ હજુ પણ જોવી પડશે. હવામાન વિભાગના મતે સારા વરસાદ માટે હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત. જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમાં પણ જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે.


હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ચાર અને પાંચ તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે.


વાવણીમાં ઘટાડો


ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અંદાજે એક લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેનું પાછળનું કારણ તૌકતે વાવાઝોડું મુખ્ય માનવામાં આવે છે. ગીરનો મુખ્ય પાક મગફળી છે. પરંતુ આ વર્ષે માત્ર 25 ટકા જ મગફળીનું વાવેતર થયું છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાક તો તબાહ થયા જ છે. પરંતુ વીજળી વ્યવસ્થા પણ સંપૂર્ણ ખોરવાઈ છે. ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ વીજપુરવઠો ઠપ્પ છે. જેના કારણે આગોતરું મગફળીનું વાવેતર અટકી ગયું છે.


સાથે ખેડૂતોને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વીજળી નથી અને બીજી તરફ ગીરમાં વાવણીલાયક વરસાદ ન પડ્યો હોવાના કારણે વાવણી થઈ શકી નથી. ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.


 અનેક ખેડૂતો એવા છે જેની પાસે મગફળીનું બિયારણ લેવાના પણ પૈસા નથી. સાથે વાવાઝોડાના નુકસાનથી જમીન જ વાવણીલાયક બની શકી નથી. હજુ પણ ગીરના ઉના અને ગીર ગઢડામા વાડી વિસ્તારો સંપૂર્ણ વીજળી વિનાના છે. ખેડૂતોના ખેતરોમા આજે પણ વીજ પોલ અને ટાંર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે. એવામાં સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે ?