અરબ સાગરમાં ગત થોડા દિવસોથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. જોકે સમુદ્રમાં લો પ્રેશર બનતાં હજુ 4 થી 5 દિવસ સુધી માછીમારોને સમુદ્ર ન જવાની સલાહ આપવામાં આવી છે.


હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ચાર દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના નથી. જોકે, ૧૦ નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. માવઠાની આગાહીને પગલે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ' 


હાલમાં રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ અને રાતના તાપમાન વચ્ચે અંદાજે 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળે છે. નલિયા અને વલસાડમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. આ વખતે આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.


દર વર્ષે નલિયામાં સૌથી નીચું તાપમાન જોવા મળતું હોય છે. અત્યાર સુધીમાં નલિયામાં સૌથી નીચું 13.6 ડીગ્રી અને અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર સથી વધુ ઠંડુ શહેર બન્યું છે જ્યાં 11 ડીગ્રી તાપમાન નોંધાયું છે.


પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જોર બતાવી રહી છે. સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.


ગુજરાતના કેટલાક શહેરોમાં આકરી ઠંડી પડી રહી છે. ગઈ રાત્રિએ 15 ડિગ્રી સાથે ગાંધીનગર અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીમાં વધારો થયો છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.