મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.


મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે. જેમને પડતા મુકવામાં આવ્યાં છે તે પૈકીના પૂર્વ મંત્રીઓને પણ એક બાદ એક બોલાવીને સૂચના આપી દેવામાં આવી છે.


નવા મંત્રીમંડળમાં સંભવિત ચહેરાઓની વાત કરીએ તો ડોક્ટર નીમાબેન આચાર્ય, કિરીટસિંહ રાણા, ગોવિંદભાઈ પટેલ, શશિકાંત પંડ્યા, હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ, કેતન ઈનામદાર, અરવિંદ રૈયાણી, રાકેશ શાહ, વિનુભાઈ મોરડીયા, મોહનભાઈ ઢોડીયા, આત્મારામભાઈ પરમાર, જીતુભાઈ વાઘાણી, દેવાભાઈ મામલ, ગજેંદ્રસિંહ પરમાર, ઋષિકેશ પટેલનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.



હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નીતિન પટેલ તૈયાર થશે, તો તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે. જ્યારે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને પડતા મુકાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. કુંવરજી બાવળીયા અને સૌરભ પટેલને પણ પડતા મુકાય તેવી શક્યતા છે. 


શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલનું પણ પત્તુ કપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર નવા મંત્રીઓના નામો પર મંડાયેલી છે. આ નામો જાહેર થયા પછી જ ખબર પડશે કે, કોને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કોનું પત્તુ કપાયું છે. એટલું જ નહીં, કયા નવા ચહેરાને સ્થાન મળે છે, તે પણ નામો જાહેર થયા પછી ખબર પડશે.