અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 50 લાખને પાર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 50 લાખ 12 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. જ્યાં 50 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોય.


સમગ્ર દેશમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧ કરોડ ૧૮ લાખ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં હાલ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩ ટકા છે. એટલે કે પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવે છે. સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે.

ગુજરાતમાંથી સૌથી વધુ ૧૩ લાખ ૮૩ હજાર ટેસ્ટ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા ૧૫ હજાર ૪૯ ટેસ્ટ ડાંગમાં કરાયા છે. ગુજરાતના ૯ જિલ્લામાંથી કોરોનાના ૧ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કરવામાં આવેલા કુલ ૫૦ લાખ ટેસ્ટમાંથી અડધોઅડધ ટેસ્ટ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર એમ ચાર જિલ્લામાં થયા છે અને છેલ્લા એક મહિનામાં જ કુલ ૧૮ લાખ ૬૭ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1181 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3569 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,717 એક્ટિવ કેસ છે, જ્યારે 1,32,310 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,631 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,51,596 પર પહોંચી છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,92,942 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,92,540 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 402 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.