રૂપાલ ગામમાં હજારો વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી આ વર્ષે પણ ગામના થોડા ઘણા લોકો સાથે જ કાઢવામાં આવ. ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા.


ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો, કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેક્ટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં ઘીની નદીઓ નથી વહીં. સામાન્ય દિવસોમાં રાત્રે નીકળતી પલ્લી લાખોની મેદનીને પગલે વહેલી સવારે મંદિરે પહોંચતી હતી, જોકે આ વખતે પલ્લી બન્યાના એકાદ કલાકમાં જ પલ્લી દરેક ચોકમાં ફરીને મંદિરે પહોંચી ગઈ હતી.


ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભુવાજી કુદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે ‘નરબલી યજ્ઞ’ થતો હતો. તે સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય તે ભોગના દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમા ઘી હોમવા જવાય કહેવાતું હતું. જોકે યજ્ઞમાં બલીનાં નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને પ્રથા બંધ કરાવી હતી. જે બાદથી હવે ભુવાજી યજ્ઞમાં કુદીને બહાર નીકળી જાય છે અને જે બાદ પલ્લીની વિધિ શરૂ થાય છે. ગામના દરેક સમાજે પલ્લીમાં યોગદાન આપ્યું.


ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી.જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે.