મહીસાગર: ખાનપુરના દેગમડા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત થયું છે. મહીસાગર નદીમાં માતાજીનો ગરબો વળાવા આવેલ યુવાન પગ લપસી જતા ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયોઓ દ્વારા યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે માલપુર તાલુકાના ગોવિંદપુરા ગામમાંથી ગરબો વળાવવા અહીં આવ્યા હતા. જે બાદ આ દુર્ઘટના ઘટી હતી.


 નર્મદામાં 7 લોકોએ જાહેરમાં મહિલાને માર્યો ઢોર માર


નાંદોદના ધાનપોર ગામે સરપંચના પતિ સહિત 7 ઈસમોએ એક મહિલાને ઢોર માર મારતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં વાયરલ થયો છે. ગ્રામપંચાયતના પાણી મુદ્દે મહિલા અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. પંચાયતનું પાણી ગામના એક ઈસમ દ્વારા પોતાના ખેતરમાં વાળતા ઘર વપરાશ માટે પાણી ઓછું આવતા મહિલાએ ફરિયાદ કરી હતી. જે બાદ મહિલા સરપંચના પતિએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ખેતર મલિક સહિત 7 ઈસમોને સાથે રાખી પીડિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.


મહિલા સહિત તેના પતિને લાકડીના ડંડા અને ગળદાપાટુનો માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામના માથાભારે 7 ઇસમોને લાકડી વડે પત્નીને મારતા જોઈ પતિ ઘરમાં સંતાઈને વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો. બાદમાં વિફરેલા 7 ઈસમોએ પતિને વિડિયો ઉતરતા જોઈ બારણું તોડી ઇટો મારી ટીવી સહિત ઘર વખરી તોડી ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.


મહિલા સહિત પતિને ઢોર માર મારતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવાર દલિત સમાજનો હોવાથી પોલીસે તમામ આરોપીઓ સામે એટ્રોસીટીની કલમ હેઠળ અટકાયતની કામગીરી હાથ ધરી છે.


ભાજપ હિન્દુઓની આસ્થા સાથે રમત રમી રહી છે


યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વિવાદ વચ્ચે કોંગ્રેસ મેદાને આવી છે. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રસાદ મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો છે.  તેમણે કહ્યું કે, ભાજપ હિન્દૂ આસ્થા સાથે રમત રમી રહી છે. સત્તામાં બેઠેલા લોકો પ્રસાદ બદલવાની વાત કરે છે. જેમ અનેક કંપનીઓ અને એરપોર્ટ મિત્રોને આપ્યા તેમ ચીકીનો કોન્ટ્રાક્ટ મિત્રોને આપવા જઈ રહ્યા છે. મોહન થાળ માત્ર પ્રસાદ નથી લાગણી અને પરંપરા છે. જો ચીક્કીનો પ્રસાદ કરવામાં આવશે તો કોગેસ ઉગ્ર વિરોધ કરશે.