Gujarat Congress: ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહેતા 182માંથી માત્ર 17 બેઠકો જ મળી છે. પરિણામે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી જગદીશ ઠાકોરને હટાવીને તેની જગ્યાએ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને મૂકવામાં આવ્યા છે. ગોહિલ પદભાર સંભાળ્યા બાદ આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે ગુજરાત કોંગ્રેસના 18 જેટલા અગ્રમી નેતાઓ મંથન કરશે. ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન અને ગુજરાતના નવા પ્રભારી માટે આ બેઠકમાં ચર્ચા થવાની છે. આ ઉપરાંત વિધાનસભાના કંગાળ પરિણામ પાછળના કારણો અંગે સત્ય શોધક કમિટીએ આપેલા રિપોર્ટ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે.
ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માટે આજે દિલ્હી સ્થિત AICC હેડક્વાર્ટરમા ગૂજરાત કોંગ્રેસ માટે મહત્વની બેઠક મળવાની છે. કોંગ્રેસ હાઈકમાંડ અને ગુજરાત કોંગ્રેસના 18 જેટલા નેતાઓ બેઠક યોજાશે. બેઠકની અંદર જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેમાં લોકસભાની આગામી ચૂંટણી અંગેની રણનીતિ અને આયોજન. નવા પ્રમુખ બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં નવી નિમણૂકો અંગે ચર્ચા થશે. કોંગ્રેસને વર્ષોથી વરેલા અને સંપૂર્ણ વફાદાર તેમજ યુવાઓને સંગઠનમાં વધુ અને મોટી જવાબદારી સોંપવા અંગે ચર્ચા રહેશે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી માટે પણ ચર્ચા થશે જેમાં બી કે હરિપ્રસાદનું નામ પ્રભારીની રેસમાં આગળ છે. બી કે હરિપ્રસાદ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે.
મહારાષ્ટ્રના નેતા નીતિન રાઉતનું નામ પણ પ્રભરીના પદ માટે ચર્ચામાં છે. સત્ય શોધક કમિટીના સભ્ય નીતિન રાઉત હતા જેમણે પક્ષપાત વગર સચોટ રિપોર્ટ આપ્યો હોવાથી તેમની પણ શક્યતા રહેલી છે. વિધાનસભાના નબળા પરિણામ પાછળના કારણો અંગે રજૂ થયેલા રિપોર્ટ અંગે ચર્ચા થશે. આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા કાર્યક્રમો અંગે બેઠકમાં આયોજન થશે. અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા બેઠકમાં રહેશે હાજર.
પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પૂર્વ વિપક્ષીનેતા સુખરામ રાઠવાએને પણ દિલ્હીનું તેડું મળ્યું છે. ભરતસિંહ સોલંકી, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી પણ બેઠકમાં હાજર રહેશે. શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ બેઠકમાં હાજર રહેશે. AICC ગુજરાત પાસેથી શું અપેક્ષા રાખે છે અને ગુજરાત કોંગ્રેસ AICC પાસેથી શું ઈચ્છે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.