ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામને લઈ દિલ્હીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોના કહેવા અનુસાર, ગુજરાતમા નવા મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ, આર સી ફળદુ અથવા સી આર પાટીલને માટે સર્વાનુમતે નક્કી થયુ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયો અંગેની સત્તાવાર જાહેરાત હવે ભાજપના ધારાસભ્યની બેઠકમાં કરવામાં આવશે. જેમાં કોઈ એક આગેવાન નવા મુખ્યપ્રધાનના નામની દરખાસ્ત કરશે અને અન્ય નેતા તે નામને અનુમોદન આપશે.
આ સાથે જ એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, ઉતર પ્રદેશની માફક જ ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યપ્રધાન રાખવામાં આવી શકે છે. જેમાં એક નાયબ મુખ્ય પ્રધાન ઓબીસી જ્ઞાતિના હશે તો બીજા નાયબ મુખ્ય પ્રધાન દલીત ચહરો હોઈ શકે છે. બે નાયબ મુખ્યપ્રધાનની નિમણૂંકથી ભાજપ 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની ફોર્મ્યુલા અપનાવીને ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ કરી રહી છે.
દિલ્હીથી મોવડી મંડળ દ્વારા ગાંધીનગરમાં મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોષી અને તરુણ ચુંગ ઉપરાંત કેન્દ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં આજે સવારે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામ અંગે સુચવાયેલા નામ અંગે પહેલા ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ભાજપની કોર કમિટીમાં નવા પ્રધાનમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
રૂપાણી નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે
વિજયભાઈ રૂપાણીનું થોડીવારમાં સંબોધન શરૂ થશે અને તેમાં જ તેઓ નવાા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે. હોલમાં ભાજપના ધારાસભ્યોએ પોતાનું નામ લઈ લીધું છે.
C R પાટીલ, નીતિન પટેલનું નામ મોખરે
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે છે. જોકે હજુ સુધી કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ થોડી જ મિનિટોમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે.