આજથી ગુજરાતમાં પડશે અંગ દઝાડતી ગરમી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો બુધવારે રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


મંગળવાર સુધી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે આખો દિવસ ગરમ લૂં ફુંકાતા શહેરીજનો તાપમાં બરાબરના શેકાયા હતા. જમીન પરના ગરમ પવન શરૃ થયા હોવાથી આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.


વીજ સંકટ ઉભું થવાની શક્યતા


એક બાજુ ગરમી વધારે છે ત્યારે બીજી તરફ કોરોનાની મંદીમાંથી બહાર આવેલા ઉદ્યોગોને પણ વીજળીની વધુ જરૂર પડી રહી છે. જેના કારણે વીજ સંકટ ઉભું થવાની શક્યતા છે.


પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઝરાખંડ, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને તેલંગણામાં છેલ્લા કેટલાક દિવસોમાં વીજ કાપ વધી ગયો છે. દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યો પૈકીનું એક મહારાષ્ટ્ર અનિવાર્ય વીજ કટોકટી તરફ આગળ વધી રહ્યું છે.


આ દરમિયાન ગુજરાત અને તમિલનાડુએ વીજ પુરવઠો બહાલ રાખવા માટે ઉંંચી કીંમતે વીજળી ખરીદવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રના વીજળી વિભાગે જણાવ્યું છે કે તેણે હવે અનિવાર્ય વીજ કાપની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં ૨૫૦૦ મેગાવોટ વીજળીની અછત છે.


આંધ્ર પ્રદેશમા પણ મુશ્કેલી વધી ગઇ છે. અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક ઉદ્યોગો ૫૦ ટકા ક્ષમતા સાથે જ ચાલી રહ્યાં છે. રાજ્યમા ૫૦ થી ૫૫ મિલિયન યુનિટ સુધી વીજળીની અછત જોવા મળી રહી છે.