ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વિવિધ મંડળના આગેવાનોએ સરકારને કરેલી રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો આવે છે, એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજીયા, તાજીયાના જુલૂસ, શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિ વિસર્જન આ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં તહેવારોમાં ભીડ ભેગી ન થાય તે માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકાધીશ મંદિર ઈતિહાસમાં પ્રથમ વખત ચાર દિવસ સુધી બંધ રહેશે. તો સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકાતીર્ખ, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર દર્શન માટે બંધ રહેશે. જોકે સોમનાથ મંદિર સરકારની ગાઈડલાઈન અનુસાર રાબેતા મુજબ ચાલુ રહેશે.
દ્વારકામાં આવેલા શનિ મંદિરો પણ 10થી 13 તારીખ સુધી બંધ રહેશ. તો બીજી બાજુ વીરપુરનું જલારામ મંદિર 20 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ કાગવડ ખોડલધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.