અમદાવાદ :  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા ત્રીજી વાર મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એવું કહેવાયું છે પણ ક્યારે લેવાશે એ નક્કી નથી.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી 10 લાખ પરીક્ષાર્થી નિરાશ છે અને તેમનામાં આક્રોશની લાગણી છે. સુરતમાં પરિક્ષાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, તારીખ પે તારીખ આપવામાં આવે છે અને પછી આઘાત આપવામાં આવે છે. પરિક્ષાર્થીઓ તૈયારી કરીને બેઠા હતા પણ આ જાહેરાતથી શોક લાગ્યો છે. કેટલાક પરિક્ષાર્થીઓ જોબ છોડીને પરીક્ષા ની તૈયારી કરે છે ત્યારે તેમનું ભાવિ ધૂંધળું બની ગયું છે.  કેટલાક  વિદ્યાર્થી ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવી તૈયારી કરે છે તેમને ખર્ચ માથે પડ્યો છે. વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા લેવા અપીલ કરી છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા  અગાઉ રદ કરવામાં આવી હતી.  બે વાર આ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નિર્ણય લેતાં  લાખો વિદ્યાર્થીઓએ પરિક્ષાની તૈયારીઓ કરી હતી. હવે પખવાડિયામાં જ સરકારે ગુલાટં લગાવી દીધી છે. બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરિક્ષા યોજાવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરિક્ષા યોજાવવાની હોઇ પરિક્ષાર્થીઓએ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં. પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે.  રવિવારે યોજાનારી પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ દસેક લાખ પરિક્ષાર્થીઓ ભાગ લેવાના હતાં.


હેડ ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકી 88 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા યોજાયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે પેપર લીક થયું હોવાનું જાહેર કરતાં, પહેલાં તો ગૌણ સેવા પસંદગી મંડળે ઇન્કાર કર્યો હતો અને સરકારે પણ આક્ષેપો ફગાવ્યા હતા. પરંતુ પુરાવા ચકાસ્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.