ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ માત્ર નીટના આધાર મળશે. સૂત્રો દ્વારા મળેલી જાણાકરી અનુસાર ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદના કોર્સમાં એડમિશન સંપૂર્ણ નીટ પરીક્ષાના માર્ક્સના આધારે કરવામાં આવશે. પેરા મેડિકલમાં એડમિશન ધોરણ 12 અને ગુજકેટ બન્નેના મેરીટના આધારે મળશે. એન્જિનિયરીંગ માટે IIT, NIT, IIIT સહિતની સેન્ટ્રલ કોલેજમાં ફકત જેઈઈના આધારે એડમિશન મળશે.


જ્યારે બાકીની એન્જિનિયરીંગ કોલેજમાં ગુજકેટ અને ધોરણ 12ના માર્ક્સના આધારે બનેલા મેરીટ મુજબ પ્રવેશ અપાશે. ગુજકેટ અને ધોરણ 12ના આધારે મળનારા એડમિશનમાં માર્કસનો રેશિયો કેટલો હશે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.


31 જુલાઈ સુધીમાં રિઝલ્ટ


સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.


નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. જેને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેમજ તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે તેમના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.


આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા  CBSE એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નથી તેને લેખિત પરીક્ષાનો વિકલ્પ મળશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


સુપ્રીમ કોર્ટે આ નીતિ પર અરજીકર્તાઓને સૂચન આપવાનું કહ્યું હતું. મોટાભાગના અરજીકર્તા નીતિથી સહમત હતા, પરંતુ એક અરજીકર્તાએ દલીલ આપી કે જ્યારે CLAT અને NEET જેવી પરીક્ષાઓ ફિઝિકલ રીતે થઈ રહી છે તો ધોરણ 12ની પરીક્ષા યોજાવી જોઈએ. કોર્ટે આ માંગને નકારતા કહ્યું કે, 12ની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. NEET કે CLAT સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે.


ગુજરાત બોર્ડ ધોરણ-12નું મૂલ્યાંકન કેવી રીતે થશે


ગુજરાત શિક્ષણ બોર્ડે  ધોરણ 12 ગુજરાત બોર્ડના પરિણામની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષાના માર્કસના આધારે રિઝલ્ટ તૈયાર થશે. જુલાઈના અંતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. ધો. 10ના પરિણામના 50 માર્ક્સ. ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.