સુરેન્દ્રનુગરઃ સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો છે. હાઈવે પર જઈ રહેલી કાર ચાલી રહી હતી, તે દરમિયાન જ ટાયર ફાટતાં કાર ઉછળીને રોડની સાઇડમાં રહેલા કૂવામાં ખાબકી હતી. જેને કારણે ત્રણના મોત થયા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ચોટીલાના મોલડી નજીક આ ઘટના બની હતી. કારમાં સવાર ત્રણેયના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સ્થાનિક લોકો અને ફાયર ફાઇટર દ્વારા કારમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. હાલ ત્રણેય લાશ કાઢીને ચોટીલા ખાતે પીએમ માટે મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ત્રણેય મૃતકો મોલડી ગામના હતા. મોરબીથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત મેઈન હાઈવે પર સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો સંભાળી લીધો હતો. પોલીસે ક્રેઈનની મદદથી કૂવામાંથી કાર અને મૃતકોને બહાર કાઢ્યા હતા.
મૃતકોમાં ગિરીશભાઈ, હરેશભાઈ અને સુનિલભાઈનો સમાવેશ થાય છે. એક જ ગામના ત્રણ વ્યક્તિના કાર અકસ્માતમાં મોતના કારણે મોલડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામ લોકોના ટોળા હોસ્પિટલ પણ પહોંચી ગયા હતા. પુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
સુરેન્દ્રનગરઃ ટાયર ફાટતાં કાર કૂવામાં ખાબકી, ત્રણના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Apr 2019 09:25 AM (IST)
ચાલું કારે ટાયર ફાટતાં કાર કૂવામાં ખાબકી, એક જ ગામના ત્રણ યુવકોના મોતથી નાના એવા મોલડી ગામમાં શોકનો માહોલ સર્જાયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -