સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકાના કટારીયા ગામે વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ખેતરમાં કામ કરી રહેલા પરિવાર પર વીજળી પડી હતી. પિતા-પુત્ર અને અન્ય ખેત મજુરીએ આવેલ મહિલાનું મોત નીપજ્યું છએ. જિલ્લામાં વીજળી પડવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 15 દિવસમાં 4 લોકોના વીજળી પડવાથી મોત નિપજી ચુક્યા છે. હાલ કટારીયા ગામમાં વીજળી પડતા 3 લોકોના મોત બાદ ગામ શોકમાં ફેરવાયું છે. 


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સોમવારથી ધોધમાર વરસાદ વરસશે.  હવામાન વિભાગે  આ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પણ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.


તો અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે.


Gujarat Corona:  રાજ્યમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ


ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. બીજી તરફ 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 118 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 78261 ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?









જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 118 કેસ, વડોદરા શહેરમાં 25 કેસ, સુરત શહેરમાં 22 કેસ, સુરતમાં 10, આણંદ 8, કચ્છ 5, રાજકોટ  શહેરમાં 5, રાજકોટ જિલ્લામાં 4, વલસાડ 4, અમદાવાદ 3, ભાવનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, પાટણ 3, ભરુચ 2, નવસારી 2, વડોદરા 2, જામનગર કોર્પોરેશન 1,  પંચમહાલ અને  સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસનો 1 કેસ નોંધાયો છે. 


આજે કોઈ મોત નથી


આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 141 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1186 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215033 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.