અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકના મોત થયા હતા જ્યારે અન્ય એક શ્રમિક ઘાયલ થયો હતો. રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે સ્ટ્રકચર ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેથી ક્રેઈન અને ખોદકામ મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણના મોત થયા હતા. જ્યારે એક કામદાર સારવાર હેઠળ છે. અંદાજીત ચાર કલાક સુધી રેસ્કયૂ ઓપરેશનની કામગીરી ચાલી હતી. જે બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ તો હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટના પાછળ ટેકનિકલ કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને મૃતકોને 20 - 20 લાખના વળતરની જાહેરાત કરી છે.

Continues below advertisement


 આ દુર્ઘટના મહી નદી પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે (5 નવેમ્બર) સાંજે ત્રણ મજૂરો મહી નદી પર કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા. એક મજૂરને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં પૂર્ણ થયો હતો. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.


ગુજરાતમાં 352 કિમીનો પ્રોજેક્ટ


બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના 352 કિમી અને મહારાષ્ટ્રના 156 કિમી વિસ્તારને આવરી લે છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.


મુંબઈ-અમદાવાદની મુસાફરી ત્રણ કલાકમાં પૂરી થશે


આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ પ્રવાસ છથી આઠ કલાકનો સમય લે છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરનો પુલ 29 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયો છે.