Aravalli News: રાજ્યમાં છેલ્લા અમુક દિવસોમાં નદી-તળાવમાં ડૂબી (drown in pond or river) જવાથી લોકોના મૃત્યુના (death) બનાવ વધી ગયા છે. ભાવનગર, વડોદરા, સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં આવી ઘટના બની છે. બાયડના ઝાંઝરી ધોધમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી એક યુવાન બચી ગયો છે. જ્યારે બે યુવાનો હજુ પણ પાણીમાં લાપતા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી યુવાનો આવ્યા હતા. ઝાંઝરી નદીમાં ન્હાવા પડ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. લાપતા યુવાનોને શોધવા એનડીઆરએફ અને ફાયરની ટીમ કામે લાગી હતી.


તાજેતરમાં સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકીના મોત થયા હતા. બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિકિન આપવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. મૃતક ત્રણેય બાળકી ઘડી ચાર રસ્તે GEB પાસે છાપરામાં રહેતી હતી. સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી હતી. જે બાદ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. વ્હાલસોયીના મોતથી મૃતકોના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.  પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં  ઘડી ગામની ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોને જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિકો અને ફાયરના જવાનોએ આ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યાં હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પહેલા ભાવનગરના બોરતળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતાં 4ના મોત નિપજ્યાં છે. બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં ડૂબી જતાં એક બાળકી અને ત્રણ કિશોરીઓના મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે.   બોરતળાવ ખાતે પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક બાળકી પાણી પડી જતાં ડૂબવા લાગી હતી. જેથી તેણે બૂમાબૂમ કરતા અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે પાણીમાં પડી હતી. જે બાદ તેઓ પણ ડૂબવા લાગી હતી અને બૂમા બૂમ કરી રહી હતી. તેઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ તમામ બાળકી અને કિશોરીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ 17), રાશિબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 9), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ 12), કોમલબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 13)ને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.