તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા (MP Mahua Moitra) દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.


સાંસદ મહોદયા મહુઆ મોઈત્રાએ લોકસભામાં નિવેદન આપ્યુ હતુ કે, જૈન સમાજના છોકરા અમદાવાદની લારી ગલ્લા પર જઈ છૂપાઈને માંસાહાર કરે છે. ત્યારે આ નિવેદનનો જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.


જૈન સમાજ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ગુજરાત ભાજપના નેતાઓએ મહુઆ મોઈત્રાના નિવેદન પર પોતાનો રોષ પ્રકટ કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ મહુઆના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે, મહુઆ મોઈત્રાના નિવેદનથી જૈન સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આથી મહુઆ મોઈત્રાએ જૈન સમાજની માફી માંગવી જોઈએ.


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. તેમમે ટ્વીટ કરીને કહ્યું કે, ‘TMC (પક્ષ કે જેણે WBમાં વ્યાપક હિંસા આચરેલ છે)ના મહુઆ મોઈત્રા દ્વારા ગુજરાતના જૈન યુવાનો વિશે કરાયેલા નિવેદનની હું સખત નિંદા કરું છું. તેણે એ ન ભૂલવું જોઈએ કે જૈન ધર્મનો મૂળ પાયો અહિંસા છે. ટીએમસીએ આ અપમાનજનક નિવેદન માટે માફી માંગવી જોઈએ.’






નોંધનીય છે કે, સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મહુવા મોઈત્રાનુ ઉગ્ર રૂપ જોવા મળ્યુ હતું. તેમણે ગોમૂત્રનો હવાલો આપીને બીજેપ સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાઈમાં મહુવાએ નિવેદન આપ્યુ હતુ કે, સરકાર આવી પરિસ્થિતિથી ડરે છે કે, અમદાવાદમાં જૈન યુવા કોઈ લારી પર જઈને કબાબ ખાઈ શક્તા નથી.


તેમના આ નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી છે. જૈન સમાજના યુવકોને માંસાહારી બતાવવા પર મહુવાની વિરુદ્ઘ સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી સામે આવી છે.