અમદાવાદઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સહિત અન્ય રાજ્યોને ફટાકડાં પર પ્રતિબંધ મૂકવા નોટિસ ફટકારી છે. હવા- અવાજના પ્રદુષણ ઉપરાંત કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. આજે રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લે તેવી શક્યતા છે.

આજે મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ગૃહ વિભાગ- ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળવા જઈ રહી છે. જેમાં ફટાકડાં ફોડવા મુદ્દે તમામ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યાર બાદ રાજ્ય સરકાર ફટાકડાં પર પ્રતિબંધ મુદ્દે નિર્ણય જાહેર કરી શકે છે.

સરકારની વિચારણાને પગલે ફટાકડાંના વેપારીઓની ચિંતા વધી છે. મહત્વનું છે કે દિવાળીના દિવસોમા ફટાકડાંને હવા-અવાજના પ્રદૂષણનું સ્તર વધે છે. એટલું જ નહીં વૃદ્ધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્લી,રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સરકારે ફટાકડા ફોડવા કે વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.