Monsoon News: ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ ફરી એકવાર શરૂ થઇ રહ્યો છે, જુલાઇના અંતમાં આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આજથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ તબાહી મચાવશે. ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તબાહી મચાવી હતી. જાનમાલનું ભારે નુકસાન પહોંચ્યુ હતુ. 


હવામાન વિભાગે ચોમાસાના વરસાદને લઇને ફરી એકવાર મોટી આગાહી કરી છે, હવામાન વિભાગ અનુસાર, આજથી ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોને મેઘરાજા ઘમરોળશે. વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.


આજની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર ઝૉનમાં પણ વરસાદ મનમુકીને ખાબકી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ વાત છે કે, આજે ખેડાની સાથે ઉત્તર ગુજરાતનો વારો આવશે, આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ ઉપરાંતસંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકથી રાજ્યના 74 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી  53 ડેમ હાઈએલર્ટ પર છે. , 10 ડેમ એલર્ટ પર છે. , તો 11 ડેમ વોર્નિંગ પર છે. અત્યાર સુધી વરસેલા વરસાદથી  રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે.  સરદાર સરોવર ડેમમાં હાલ 53.67 ટકા જળસંગ્રહ છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.