દેશભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધુમથી ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ દેશભરના અલગ અલગ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
વહેલી સવારથી જ સોમનાથ મંદિર બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શિવરાત્રીનો પાવન પર્વ હોવાથી સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ સવારે ચાર વાગ્યાથી લઈને સતત 42 કલાક સુધી ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.
શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખુલતા જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે પડ્યા છે. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રૂદ્રી, રૂદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે.
આજે દિવસ ભર સોમનાથ મંદિરમાં પર્યત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૂદ્ર, રૂદ્રી, બિલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાશે. શ્રદ્ધાળુઓ બિલી પત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળા મહાદેવને અર્પણ કરશે.
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેકે માસ્ક પહેરવુ ફરજીયાત રાખ્યું છે. મંદિરમાં પ્રવેશ પહેલા દરેક શ્રદ્ધાળુઓનું ટેમ્પરેચર ચેક કરાશે. બાદમાં સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે.
દર્શનની લાઈન માટે જે સોશલ ડિસ્ટસિંગના રાઉંડ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જ લાઈનમાં શિસ્તબદ્ધ ચાલવાનું રહેશે. બહારથી જે ફુલ, પ્રસાદી, સામગ્રી સાથે લઈને આવે તે મંદિરના નક્કી કરેલ જગ્યાએ જ પધરાવવાનું રહેશે.