પોરબંદરઃ ગુજરાતમાં આજે પાણીના પ્રવાહમાં તણાવાની કે ફસાવાની ત્રણ-ત્રણ ઘટના સામે આવી છે. દ્વારકામાં આજે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો પસાર કરવા જતાં 3 સિક્યુરિટી ગાર્ડ તણાયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે. એકનું મોત થયું છે. તેમજ એકની શોખધોળ ચાલું છે. આવું જ વડોદરામાં નિવૃત્ત પીએસઆઇ પાણીના પ્રવાહમાંથી કાર કાઢવા જતાં ફસાયા હતા. જેમનો પણ આબાદ બચાવ થયો છે. આ પછી પોરબંદરમાં ચાર યુવકો તણાવાની ઘટના સામે આવી છે.


પોરબંદરના મોગર ગામે પૂરમાં 4 યુવાનો તણાયા છે. એકનો બચાવ થયો છે, જ્યારે 3 તણાયા છે. મોગરની સીમમાં મિણસારના પાણી ફરી વળ્યાં છે. 4 યુવાનો રસ્તો પસાર કરવા જતી વેળાએ પાણીમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફની ટીમની મદદ માંગવામાં આવી છે.



હડમતીયા ગામ પાસેની નદીમાં ધસમસતા પૂર વચ્ચેથી રસ્તો પસાર કરવો 3 લોકોને ભારે પડી ગયો છે. પાણીના પૂર વચ્ચે રસ્તો પસાર કરવા જતાં ત્રણેય વ્યક્તિ તણાઈ ગયા હતા. જેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, તેમને પાણીનો પ્રવાહ કેવી રીતે તાણીને લઈ જાય છે. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એકનું મોત થયું છે. આ વ્યક્તિઓને બચાવવા માટે NDRFના જવાનોએ જીવની બાજી લગાવી દીધી હતી. આ રેસ્ક્યૂના પણ દીલધડક દ્રશ્યો સામે આવ્યા છે.



વડોદરામાં જામ્બુવા નદીની સપાટી વધતાં હાલ, નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે આ નદીના પૂરમાં કાર ચાલક ફસાયા હતા. કાર પાણીના પ્રવાહમાં અધવચ્ચે જ ફસાઇ જતાં કાર ચાલક બોનટ પર ચડી ગયા હતા. જોકે, હાલ, તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. નિવૃત્ત પીઆઇ જી.એન. સરવૈયા કાર સાથે ધનીયાવી ગામ પાસે પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા હતા.

ગઈ કાલે જૂનાગઢના માળિયામાં ધોધમાં ચાર યુવાન ડૂબ્યા હતા. ધોધમાં ન્હાવા ગયેલ ચાર યુવકો ધોધમા તણાયા હતા. ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. એક લાપતા બનતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગઈ કાલે ડીસાના ઝેરડા ગામના ચાર યુવકો પાણીમાં તણાયા હતા. એક જ પરિવારના ચાર યુવકો ડૂબ્યા હતા, તેમાં બે યુવક બચી ગયા, જ્યારે બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. એક જ પરિવારના બે યુવકનું તળાવમાં ડૂબવાથી મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે આ વિસ્તારમાં પાણીનો આવરો વધ્યો હતો.

ગઈ કાલે સુરતના આંબાવાડી ગામે ખાડીમાં તણાયેલા 2 પેકી એકનો મૃતદેહ મળ્યો છે. ગઈ કાલે ખાડીમાં એક કલાકના અંતરે બે લોકો તણાયા હતા. એક યુવકનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે જેનો વીડિયો વાઇરલ થયો હતો એની ભાળ નથી મળી. અન્ય આધેડનો ગડખાજ ગામે ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે.