ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લેશે એવી રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી છે. આ કારણે ગુજરાતમાં ફરી લોકડાઉન કે કરફ્યુ લદાશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થઈ ગયા છે.


યોગાનુયોગ નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ આવવાના હોવાથી એવી વાતો પણ વહેતી થઈ હતી કે, મોદીનું માર્ગદર્શન મેળવીને રાજ્યમાં લોકડાઉન લાદવાનો કે કરફ્યુ લાદવાનો નિર્ણય લેશે અને શનિવારે સાંજે જેની જાહેરાત કરાશે. જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મોડી સાંજે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી કે કરફ્યુ પણ લાદવામાં નહીં આવે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા નહીં થાય. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારે રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે.

આ ખાતરી પછી હોઈકોર્ટે પણ સવાલ કર્યો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો શું કાર્યાવાહી કરશો ? સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે કડકાઈથી કામગીરી કરવાની જરૂર છે ટકોર પણ કરી હતી.

ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.