Narmada: એક તરફ શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો પોતાના પરિજનો અને મિત્ર સાથે વિવિધ સ્થળોએ ફરવા જઈ રહ્યા છે તો બીજી તરફ કોરોનાએ પણ ફરી માથું ઉચક્યું છે. જો કે હાલમાં ગુજરાતમાં વધુ કેસ નથી આવી રહ્યા પરંતુ ચીનમાં જે રીતે કોરોનાએ કહેર વર્તાવ્યો છે તેને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.
સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે કોરોનાના નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. આ માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઓફિશિયલ રીતે ટિવટ કરીને આપી છે.
દેશમાં વધતા કોરોનાના જોખમને લઇ નાગરિકોને સતર્ક રહેવા PM મોદીની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનનો આજે 96મો એપિસોડ સંબોધિત કર્યો. જે આ વર્ષનો અંતિમ એપિસોડ પણ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G-20ની અધ્યક્ષતાની જવાબદારી દેશને મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો. મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં જણાવ્યુંકે, દુનિયામાં ફરી એકવાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની છે. ત્યારે ભારત પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, લોકો અત્યારે વેકેશનના મૂડમાં છે બહાર ફરી રહ્યાં છે. જોકે, હરવા-ફરવાનો વાંધો નથી પણ વર્તમાન સ્થિતિને જોતા લોકોએ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને ફરજિયાત હાથ ધોતો રહેવું જોઈએ સેનેટાઈઝ કરતા રહેવું જોઈએ. વિશ્વમાં અચાનક કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.
હર ઘર તિરંગા અભિયાને ઈતિહાસ રચ્યો
પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં દેશવાસીઓએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાન કોણ ભૂલી શકે. તે ક્ષણે દરેક દેશવાસીઓના રુવાડા ઉભા થઇ ગયા હતા. આઝાદીના 75 વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગાના રંગમાં રંગાય ગયો હતો. 6 કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મોકલી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ આવી જ રીતે ચાલુ રહેશે સાથે જ અમૃત્કાળનો પાયો વધુ મજબૂત કરશે.
G-20ની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતને G-20ની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ 2023માં આપણે G-20ના ઉત્સાહને નવી ઊંચાઈઓ પર લઈ જઈને આ ઈવેન્ટને જન આંદોલન બનાવવું છે. પીએમએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. મારા તરફથી તમને બધાને ક્રિસમસની શુભેચ્છાઓ.