અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.


સુરત જિલ્લાના છેલ્લા ગામ એવા અનાવલમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા અનાવલ  ગામમાં પણ કર્ફ્યું જેવો માહોલ દેખાયો હતો, લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સ્વૈચ્છિક લોકડાઉનને લઇ શાકભાજી માર્કેટ તેમજ અનાજની મંડીઓ પણ સ્વયંભૂ બંધ રહી હતી 


પાટણ જિલ્લાનું બાલીસણા ગામમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  પાટણ જિલ્લાનું સૌથી મોટું બાલીસણા ગામની બજારો બપોર પછી બંધ છે.  બાલીસણા ગામ બપોરે 2 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  આગામી 10 દિવસ માટે બજારો બપોર બાદ સજ્જડ બંધ રહેશે.  વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે.  કોરોનાના  કેસો વધતાં ગ્રામજનો અને વેપારી મંડળે નિર્ણય લીધો છે. 


સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરના સંક્રમણને લઇ મહુવાના કરચેલીયામાં સ્વૈછીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી સ્વૈછીક લોકડાઉનને સફળ બનાવ્યું છે. આજથી 18 તારીખ સુધી બંધ કરચેલીયા ગામ બંધ રહશે. 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ  બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.  બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે.  બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  એક બાદ એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.  સ્વૈચ્છિક લોકડાઉનનો આંકડો  17 પર પહોંચ્યો છે. 


અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારા સાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. 


કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.


દાહોદ જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઇ કતવારા ગામમાં આજથી 10 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. ગામમાં 15 થી 24 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે.