સુરેન્દ્રનગર જિલ્લાના થાન દેવપરા ગામના કોલસાની ખાણમાં  6 મજૂરો ફસાયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ કોલસાની ખાણોમાં  જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયાનો અહેવાલ છે.


સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી અને સાયલા સહિતના  ગામોમાં અવારનવાર ખનન ચોરી દરમિયાન મજૂર વર્ગના અકસ્માતોની ઘટના બનતી રહે છે. મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર ૩ પરપ્રાંતીય શ્રમિકોનામોત  નિપજયાં છે. ઉલ્લેખનિય છે કે અહીં 6  જેટલા શ્રમિકો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી.શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  જેમાં પૈકી 3ના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં મુળી પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.


પાટણના હારીજમાં હિટ એંડ રનમાં ત્રણના મોત


પાટણના હારીજમાં હિટ એંડ રનમાં ત્રણના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા. ત્યારે ચાણસ્મા હાઈવે દાંતરવાડા પાસે યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ધારપુર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ વાહન ચાલક ફરાર થયો છે.


તાપીમાં અકસ્માત


રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. તાપીમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. નિઝર સીમમાં ઉચ્છલ નિઝર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર લોકો પૌકી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.


મરણજનાર સુંનંદા તંબોલી સાથે ઈજા પામનાર સંતોષ તંબોલી, કવિતા તંબોલી અને અનિતા તંબોલી કારમાં સવાર હતા. કુકરમુંડાનો તંબોલી પરિવાર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો. જ્યાંથી પોતાના ગામ કુકરમુંડા પરત ફરતી વખતે કોઈક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. નિઝર પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ પાસે આજે લોખંડના સળિયા ભરેલા છકડા રિક્ષાએ અડફેટે લેતા સ્કૂટર સવાર યુવકનું મોત નિપજ્યું હતું. લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડતા યુવક દબાઈ ગયો હતો. મૃતક યુવાનના 21 દિવસ બાદ જ લગ્ન હતા. દિકરાના લગ્નની તૈયારી કરી રહેલા પરિવારને દીકરાના અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં લગ્નનો રૂડો અવસર આવી રહ્યો હતો પરંતુ કુદરત ને કઈ ઓર જ મંજુર હશે ઘરમાં ખુશીનો માહોલ હવે માતમમાં બદલાયો હતો. ઘરમાં લગ્ન ગીતના બદલે હવે મરશિયા સાથે જુવાન જોત યુવાનની અર્થી ઉઠતા માલધારી સમાજ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક યુવકનુ નામ સામત ભરવાડ હોવાનું સામે આવ્યું છે અને તે બોરતળાવનો રહેવાસી હતો.