રામ જન્મભૂમિ નિર્માણ માટે દેશભરમાંથી અત્યાર સુધીમાં 500 કરોડની નિધિ એકત્રિત થયાનો રામ મંદિરના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલનો અંદાજો છે. અયોધ્યામાં રામ લલ્લાનું ભવ્યાથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. જેના માટે દેશભરમાંથી નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે અંદાજો લગાવ્યો છે કે, મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 500 કરોડની નિધિ એકત્રિત થઈ છે. વધુમાં કામેશ્વર ચોપાલે કહ્યુ કે, રામ મંદિર નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદીએ કૃષ્ણની ભૂમિકા જ્યારે અડવાણીએ અર્જુનની ભૂમિકા ભજવી હતી.


રામમંદિર માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે એના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલ ગુજરાત-અમદાવાદમાં છે. તેમણે રામમંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે અડવાણી અર્જુન અને મોદી કૃષ્ણ છે.



તેમણે કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાને કારણે આજે દેશમાં ભગવા સાથે ભાજપ છે. ઘણાં વર્ષોથી રામમંદિરને લઈને દેશમાં ચર્ચા ચાલતી હતી. રામમંદિર માટે કેટલાક હિન્દુ નેતાઓએ તેમની આખી જિંદગી દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા હતા.

આગળ તેમણે કહ્યું કે, આ રામ જન્મભૂમિની જગ્યાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એને અનેક રાજનૈતિક પાર્ટીઓએ આવકાર્યો છે. જોકે આની પાછળ ઘણાં સંગઠનોએ કામ કર્યું છે, પરંતુ આ મુદ્દો ભાજપના સંઘર્ષનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. 1984ના લોકસભાના ઇલેક્શનમાં ભાજપને માત્ર 2 સીટ પર જ જીત મળી હતી, ત્યાર બાદ પાર્ટીએ નક્કી કર્યા મુજબ રામમંદિરના મુદ્દાને લઈને પ્રચાર કરવાનું શરૂ કર્યું.

નોંધનીય છે કે, લાલકૃષ્ણ અડવાણી 1986માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમણે 1987માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન સચિવ બનાવ્યા હતા.