અમદાવાદ : સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી વેકેશમ દરમિયાન ટુ વ્હીલર લઇને માદરે વતન જતા હોય છે. આ દરમિયાન ઘણીવાર અકસ્માતમાં જીવ પણ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના આજે બગોદરા ધંધુકા માર્ગ પર ફેદરા પાસે બની હતી. જેમાં એસટી બસની અડફેટે આવતા બાઇક સવાર બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. બાઇક સવાર બંન્ને જણ અમરેલી તરફ જઇ રહ્યાં હતાં. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.




આ મામલે મળતી માહિતી પ્રમાણે ધંધુકા માર્ગ ફેદરા પાસે કૂતરાને બચાવવા જતા બાઇક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું. જે બાદ તે એસટી બસ સાથે અથડાતા બાઇક સવાર બંન્ને જણ એસટીનાં પૈડામાં ફસડાઇ ગયા હતાં. જેના કારણે બંન્નેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.



આ એસટી બસ કૃષ્ણનગરથી સાવરકુંડલા જઇ રહી હતી. તેનો નંબર GJ18 Z 5061 છે. આ બસમાંથી બધા મુસાફરોને ઉતારીને તેમને પહોંચવાની અન્ય વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ અકસ્માત બાદ 108 પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. પરંતુ આ બંન્નેનાં મોત નીપજ્યાં હતાં. હાલ આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.



બાઇક સવારે હેલ્મેટ પણ પહેરેલું હતું. તેની પાસેથી મળતા ડ્રાઇવર લાઇસન્સમાં તેનું નામ હાર્દિકકુમાર પાનેલિયા લખેલું છે અને તેમની ઉંમર 29 વર્ષની જણાય છે. તે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં પિપળવા ગીરનાં રહેવાસી છે.