છોટાઉદેપુર: જિલ્લાના ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયની ગંભીર બેદરકારીના કારણે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જેના કારમે સમગ્ર પંથકમાં ટ્રસ્ટના સંચાલકો સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તો પોલીસે ટ્રસ્ટના સંસ્થાપક તેમજ બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોપટ રાઠવા અને કેશવ રાઠવા ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા
આ અંગે વિગતે વાત કરીએ તો, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડિયા ગામે આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટ સંચાલિત દુર્ગમ વિસ્તાર કુમાર અને કન્યા છાત્રાલય તેમજ એક ગૌ શાળા કાર્યરત છે. ગત સાંજે છાત્રાલયના ગૃહપિતા અને ગૃહમાતા બાળકોને ગાયો માટે ઘાસચારો કપાવવા ગામના સીમાડે લઈ ગયા હતા. ઘાસ કાપી અન્ય બાળકો વાહનમાં પરત ફર્યા પરંતુ ત્રણ બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા માટે જતા રહ્યા જે પૈકી બે બાળકો પોપટ રાઠવા અને કેશવ રાઠવા ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા.
મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો
ગઈકાલ સાંજથી ચેકડેમમાં બાળકોની શોધખોળ આદરી પરંતુ ના મળ્યા અને આખરે આજે સવારે છોટાઉદેપુર ફાયર ફાયરના જવાનોએ બન્નેના મૃતદેહોને બહાર કાઢ્યા. સંસ્થાની બેદરકારીના કારણે બાળકોના મોતથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો અને ભાજપના સ્થાનિક નેતા અને આદિવાસી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય એવા વિજય રાઠવાની સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચી હોબાળો મચાવી સંસ્થાના જવાબદારો સામે પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
200 જેટલા બાળકોના વાલીઓ ચિંતામાં મૂકાયા
જો કે ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ભેખડીયા ગામે પહોંચી પોલીસ ફરિયાદની બાહેધરી આપતા મામલો ઠંડો પડ્યો અને બાળકોના મૃતદેહને પી.એમ. અર્થે મોકલાયા. પોલીસે સંસ્થાના સંસ્થાપક રતન રાઠવા, ગૃહપિતા રાજેશ રાઠવા અને ગૃહમાતા કોકિલાબેન રાઠવા સામે આઇપીસી કલમ 304 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ છાત્રાલયના સંચાલકો અને કર્મચારીઓ ફરાર થઈ ગયા છે જયારે હાલ 200 જેટલા બાળકો છાત્રાલયમાં હોવાથી તેમના વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. સાથે સંસ્થાના બેજવાબદારી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો જળાશય આગળ એકઠા થઈ ગયા હતા. બે વિદ્યાર્થીના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.