બનાસકાંઠા: થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ન્હાવા પડેલ બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે 3 બાળકો કેનાલમાં ન્હાવા ગયા હતા જેમાં બે બાળકોના મોત થયા છે જ્યારે એકને બાળકને બચાવી લેવાયો છે. ઘટના બાદ સ્થાનિક લોકોએ બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યા હતા. અચાનક બે બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઠાકોર પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.


માણસાના ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં કરાઇ તોડફોડ


માણસાઃ ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં માહોલમાં તંગદિલી છવાઈ છે. મળતી જાણકારી અનુસાર, ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. દરમિયાન અસામાજિક તત્વોએ બાઈકમાં આગચંપી કરી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.


આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.  પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પોલીસે ગઈકાલે જ 6 લોકોને રાઉંડ અપ કર્યા હતા અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે.


ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવી શકે છે ચુકાદો
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો આવી શકે છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં સંભવતઃ આજે ચુકાદો આવી શકે છે. આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે. કોર્ટમાં ત્રણ દિવસ સરકાર અને ત્રણ દિવસ બચાવ પક્ષની દલીલ થઈ હતી


ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી  હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી ફેનિલે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે આ કેસનો સંભવતઃ ચુકાદો આજે જાહેર કરવામાં આવી શકે છે.