રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
તો આ તરફ આગાહી વચ્ચે જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.
દિલ્હીમાં વરસાદ
રાજધાની દિલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. દિલ્લીના NCR, નોઈડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. તો વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. ધોધમાર વરસાદથી આઝાદપુર અંડરપાસમાં દોઢ ફુટ સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારથી જે રીતે દિલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લીધે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો
સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયો છે. જેને લઈને ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. એબીપી અસ્મિતાની ટીમ માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં પહોંચી હતી. જ્યા એક મહિનાથી વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, મગફળીમાં હાલમાં સૂયા બેસવાનું ચાલુ થયું છે. ત્યારે જ વરસાદ ખેંચાતા પાક સુકાઈ તેવી સ્થિતિ ઉભી થઈ છે. મહત્વનું છે કે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયો છે.