Gujarat assembly election 2022: દર વખતની જેમ આ વખતે પણ ઘણા લોકોએ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જો કે આ વખતે મહેસાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઊંઝાના બે અપક્ષ ઉમેદવારોએ કરાર લેખ લખી ભાજપને ટેકો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ઊંઝામાં બે અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપ તરફી સમજૂતી કરાર લેખ હાલમાં વાયરલ થઈ રહ્યો છે.






રબારી રમેશભાઈ અને ઠાકોર અરવિંદજી નામના અપક્ષ ઉમેદવારોએ સ્ટેમ્પ ઉપર કરાર લેખ કર્યો છે. સમજૂતી કરાર લેખ કરી ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન અપક્ષ ઉમેદવારોને ભાજપના વિકાસ કાર્યોનો અહેસાસ થયો હોવાનો કરાર લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાર લેખ કરી આપ્યા હતા. રાજનીતિનું એક નવું સ્વરૂપ ઊંઝામાં જોવા મળ્યું છે. અપક્ષ ઉમેદવારે સ્ટેમ્પ પેપર ઉપર સમજૂતી કરાર લેખ કર્યાની ઘટનાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.


હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું


કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ


કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.


‘હું ભાજપમાં ક્યારેય નહીં જાવ અને જાવ ને તો મારી માનું ધાવણ લાજે’


ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ. વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી-ઉપલેટા બેઠક પર ભાજપના ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, કોંગ્રસને લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા વચ્ચે જંગ છે.