સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર,  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક બેફામ ટ્રકના ચાલકે બાઈક પર જતા પરિવારને અડફેટે લીધો હતો. જેમાં ટ્રકની ટક્કરે માતા-પુત્રનું કરૂણ મોત થયું. જ્યારે પતિનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈડર પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


અરવલ્લીના શામળાજી નજીક હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. ખોડંબા ગામ પાસે બેફામ ટ્રકે બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈકને ટ્રકની ટક્કર લાગતા ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયા હતાં. જેમાં ગંભીર ઈજા થતા એકનું મોત થયું તો બેને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક રોડ પરના બેરિકેડ ઉડાવી ફરાર થઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકો પૂનમ નિમિતે શામળાજી દર્શને નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.


ગાંધીનગરના ક - 6 સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાહન અને બાઈક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે જણા ઇજાગ્રસ્ત થયા હતા. મહેસાણા મોઢેરા રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. ભેંસો લઈ જઈ રહેલી એક મહીલાને કાર ચાલક ટકકર મારીને ફરાર થઇ ગયો હતો. મહીલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોઢેરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


તાજેતરમાં જ અમદાવાદના એસ.જી હાઇવે પર સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત કરનાર શ્લોક પટેલની ધરપકડ કરી હતી. આરોપી 25 વર્ષીય શ્લોક નારણપુરાનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.