અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે હજુ આગામી બે દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.


મંગળવારે દિવસ દરમિયાન ૭ તાલુકામાં 1થી ૨.૭૧ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦ ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી, લાઠી, રાજુલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ છવાયો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.

તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો.

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા, તાલાલા, વેરાવળ અને કોડીનાર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

તો ભાવનગર જિલ્લાના પાલિતાણા, મહુવા તાલુકામાં વરસાદ પડ્યો હતો. પાલિતાણા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કપાસ, મગફળી અને જુવારના પાકને નુકસાન જવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતાતૂર બન્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે મહુવા તાલુકાની ભાદ્રોડી નદી બે કાંઠે વહેતી થઈ હતી.