નવસારી: વાંસદામાં બે લોકોના મોત થયા છે. આ અંગે વિગતે વાત કરીએ તો, પ્રેમના ચક્કરના મોટાભાગે કરુણ અંજામ આવતાં હોય છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદાના સિંગાડ ગામે અજબ કિસ્સો સામે આવ્યો છે. સગીરાના પ્રેમમાં પાગલ પ્રેમીએ તેના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ શરીરે છાંટીને આપઘાત કર્યો હતો. સગીરા લગ્ન માટે ભાગી જવાની ના પાડતી હોવાથી ઉશ્કેરાયેલા યુવકે પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. જેથી તેને બચાવવા જતાં સગીરાના પિતા પણ દાઝી ગયા હતાં. યુવકના મોતના છ દિવસની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સગીરાના પિતા પણ મોતને ભેટ્યાં હતાં.


પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હતો. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા સાથે યુવક પ્રેમમાં હતો. શરૂઆતમાં એક બીજા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બોલ-ચાલના સંબંધ હતાં. યુવક સતત સગીરાને ભાગી જવા માટે કહેતો હતો. લગ્ન કરી લેવાની પણ વાત કરતો હતો. પરંતુ સગીરા સતત તેને સમજાતી હતી કે, તેની ઉંમર ખૂબ જ ઓછી છે. તેના કારણે તે લગ્ન કરી શકે તેમ નથી. એક દિવસ અચાનક જ પ્રેમી યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો, અને પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી ગયો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


તો બીજી તરફ સગીરાના પિતા યુવકને બચાવવા કુદયાં હતા. જે બાદ તે પણ ગંભીર રીતે દાજ્યા હતા અને સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.  મૃતક યુવક  પ્રેમ લગ્ન કરવા માટેની જીદ કરી રહ્યો હતો. પરંતુ સગીરાના પિતાએ કહ્યું કે, દીકરીની ઉંમર ખૂબ જ ઓછી છે. આ સંજોગોમાં લગ્ન કરી શકાય નહીં. અત્યારે ભણવાનું ચાલુ છે. તેમાં જ ધ્યાન આપવું જોઈએ. એ પ્રકારની વાત તેણે યુવકને કરી હતી. પરંતુ યુવક પ્રેમમાં આંધળો થયો હતો. તેના કારણે સગીરા અને તેના પિતાની વાત ન માનીને તેણે જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું હતું. તેમની સામે જ પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાંખીને સળગી ગયો હતો. યુવક સળગતો હતો તે દરમિયાન જ સગીરાના પિતાએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. જેના કારણે તેઓ પોતે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. છ દિવસની સારવાર બાદ વૃદ્ધ લલ્લુભાઈનું મોત નીપજ્યું.


તો આ ઘટના અંગે સગીરાએ કહ્યું કે, તે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. યુવક સાથે બોલ ચાલના સંબંધ હતાં. સારી એવી મિત્રતા પણ હતી. પરંતુ સગીરાનું ધ્યાન ભણવામાં હતું. ઉંમર પણ 18 વર્ષ કરતા ઓછી છે. સગીરાનું સપનું ડોક્ટર બનવાનું છે. તેના માટે તે સાયન્સમાં અભ્યાસ કરતી હતી. યુવક ઘણા સમયથી ભાગી જવા માટે કહેતો હતો. પરંતુ, સગીરા તેને સતત સમજાવતી રહી. એક દિવસે અચાનક યુવક સગીરાના ઘરે આવીને શરીર ઉપર તેણે પ્રવાહી છાંટીને આપઘાત કરી લીધો હતો તે સમયે સગીરાના પિતા પણ હાજર હતા, તેમણે બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, દુઃખની વાત એ છે કે, તે પોતે પણ મોતને ભેટ્યા.