Gujarat Rain Forecast: રાજ્યના હવામાન વિભાગ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતો ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભુજ, માધાપર, મિરઝાપર, સુખપરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભુજોડી, કુકમા, માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. કચ્છમાં પણ આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે.ઉપરાંત ગત રાત્રે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં બે દિવસથી ભારે વરસાદથી 111 રસ્તાઓ બંધ થયા છે. ઓવર ટોપિંગના કારણે 1 નેશનલ, 6 સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના 97 અને અન્ય સાત રસ્તા બંધ થયા છે. સૌથી વધુ વલસાડમાં 32 તો નવસારીમાં 11 રસ્તા બંધ થયા છે. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પર પાણીના ભરાતા ટ્રાફિક અવરોધાયો હતો.
વરસાદી માહોલે ગરબા આયોજતોની ચિંતા વધારી
બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ રહી હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ ગરબાના રંગમાં સતત ભંગ પાડી રહ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.