મોરબી: લાલપર ગામ નજીક આવેલ કેનાલમાં ડૂબી જતાં બે યુવાનના મોત થયા છે. ગત રાત્રીના સમયે કેનાલ કાંઠેથી મોબાઈલ અને કપડાં મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત  ફાયર બ્રિગેડને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને  ફાયરના જવાનોએ બંને મૃતદેહોને બહાર કાઢી પરિવારજનો ને સોંપ્યા હતા. મૃતકોના નામ સુરજભાઈ અને સાગરભાઈ છે. બન્ને યુવકોના મોતને પગલે માતમ છવાયો છે. જો કે, હજુ એ વાત સ્પષ્ટ નથી કે, આ બન્ને યુવકોના મોત કંઈ રીતે થયા. બન્નેના મોતનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ સામે આવશે. 


ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પિતા સાથે કોલેજ જતી વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. માંગરોળ નાપીપોદરા નજીક નેશનલ હાઇવે ૪૮ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પિતા અને પુત્રી જ્યારે મોપેડ પર જતા હતા ત્યારે પાછળથી અન્ય વાહને ટક્કરે મારતા મોપેડ ટ્રક સાથે અથડાયું હતું.


ટ્રક સાથે અથડાતા યુવતી મોપેડ પરથી રોડ પર પટકાઈ હતી. જે બાદ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થિના પિતા મોપેડ હંકારી કોલેજ મુકવા જતા હતા. પુત્રીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ ટીશા જીગ્નેશ પટેલ છે અને તે પીપોદરા ગામની રહેવાસી હતી. કુડસદ ખાતે કોલેજમાં અભ્યાસ અર્થે જતી હતી તે દરમિયામ અકસ્માત નડ્યો હતો.


સુરતમાં એક ચોંકાવનારી આપઘાતની ઘટના ઘટી છે, સગાઇ તુટી જવાથી નિરાશ થયેલી યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધી છે. ખરેખરમાં, વરાછાની યુવતીની સગાઇ અમેરિકામાં રહેતા એક યુવક સાથે થઇ હતી, જોકે, કોઇ કારણોસર તેની આ સગાઇ તુટી ગઇ, જેના કારણે યુવતી નિરાશ રહેતી હતી, સતત તણાવમાં રહેતી યુવતીએ છેવટે આપઘાતનું પગલુ ભર્યુ હતુ. યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલમાં આ ઘટના અંગે વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.