જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે.  જૂનાગઢના વંથલી તાલુકાનું સેલરા ગામ જ્યાં પાણીના પ્રવાહમાં ફસાયેલા બે યુવાનોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. એક બાઇક પર બે યુવકો વોકળાના ધસમસતા પાણીમાં બાઈક લઈ જઈ રહ્યા હતા. તે સમયે પાણીના જોર આગળ બાઇક આગળ ન વધતાં યુવકો ફસાઇ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વોકળામાં પૂર આવ્યું હતું. તેથી પાણીના પ્રવાહની વચ્ચે બંને યુવકો ફસાઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને યુવકોને બચાવી લીધા હતા. હાલ બંને યુવકોની તબિયત સ્થિર છે.


જૂનાગઢના કેશોદ તાલુકામાં 8  ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં 6 ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.


જૂનાગઢના મુળિયાસામાં જળબંબાકારની સ્થિતિ


ભારે વરસાદના પગલે જૂનાગઢના મુળિયાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા બે દિવસથી મુળિયાસામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે  પૂર જેવી સ્થિતિ સર્જાતા પાણીમાં મહિલા ફસાઇ હતી. મુળિયાસામાંથી મહિલાનું  રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. NDRFની ટીમે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યું બાદ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


ભારે વરસાદને લીધે રાજ્યના 194 રસ્તાઓ બંધ 


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. વરસાદ અને પાણી ભરાવવાના કારણે સ્ટેટના સાત, પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. અન્ય 18 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે.સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના 83 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના 76 રસ્તાઓ બંધ રાજકોટ જિલ્લાના 8 રસ્તાઓ બંધ  છે. ભારે વરસાદથી 43 ગામડાનો વીજ પુરવઠો  ખોરવાયો છે.દેવભૂમિ દ્વારકાના 24 ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. પોરબંદર જિલ્લાના 9 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જૂનાગઢ જિલ્લામાં ચાર ગામમાં વીજળી ગુલ  થઇ છે તો ઊર્જા વિભાગ તરફથી રિપેરિંગની કામગીરી થઇ રહી છે.  


જૂનાગઢના ઘેડ પંથક પણ વરસાદના કારણે  જળમગ્ન બન્યો છે. મટીયાણા, આંબરડી ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાદરડી, બાલગામમાં રસ્તાઓ પણ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે.