ઉનાના કોંગ્રેસ ધારાસભ્ય પુજા વંશ ને 7 દિવસ માટે વિધાનસભા ગૃહ માંથી સસ્પેન્ડ કરવામા આવતા ગૃહમાં હોબાળો મચી ગયો હતો. પુંજા વંશને સસ્પેન્ડ કરવામાં આવતા વિપક્ષે ગૃહમાથી વોક આઉટ કર્યુ હતું. વિપક્ષના ધારાસભ્યો વિધાનસભા ગૃહ બહાર નીકળી ગયા હતા. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસ નેતાઓએ ગૃહમાંથી બહાર નીકળી "ભાજપ સરકાર શરમ કરો શરમ કરો" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. 


પુંજા વંશે 'ટપોરી' શબ્દનો પ્રયોગ કર્યો હતો 
કોંગ્રેસ MLA પુંજા વંશે વિધાનસભા ગૃહમાં 'ટપોરી' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જે બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. પુંજા વંશ દ્વારા વિધાનસભા ગૃહમાં અસંસદીય શબ્દના ઉચ્ચકરણ બદલ શાસક પક્ષના દંડક દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો હતો અને પુંજા  વંશ ને 7 દિવસ સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. શાસક પક્ષના દંડકના આ પ્રસ્તાવને મંત્રી જીતુ વાઘાણીએ ટેકો આપ્યો હતો. જે બાદ MLA પુંજા વંશને વિધાનસભા ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં. 


ગુજરાતની પ્રજા આપણને જોઈ રહી છે : પ્રદિપસિંહ જાડેજા
વિધાનસભા ગૃહમાં પુંજા વંશે  હર્ષ સંધવી પર કરેલા શાબ્દિક પ્રહારો  મુદ્દે પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે 1990 થી પૂંજા વંશ ગૃહના સભ્ય છેએમને નિયમોનુસાર ખબર હોવી જોઈએ કે ગૃહમાં આવા શબ્દો ન બોલવા જોઈએ.ગુજરાતની પ્રજા આપણને જોઈ રહી છે, પ્રજાને આપણે કેવો મેસેજ મોકલવા માંગીએ છીએ? પ્રદિપસિંહ જાડેજાએ દંડકના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. 


ટપોરી જેવા શબ્દનો ઉપયોગ યોગ્ય નથી : હર્ષ સંઘવી
પુંજા વંશને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તવ મુકવામાં આવતા કોંગ્રેસી ધારાસભ્યો તેમના બચાવમાં આવી ગયા હતા. પૂર્વ વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે પુંજા  વંશે ગૃહ મંત્રીનો પ્રતિઉત્તર આપ્યો હતો, ગૃહ મંત્રી શેરી ગલીની ભાષા બોલ્યા હતા. સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પૂંજા વંશ અમારા સિનિયર સભ્ય છે અમે એમના પાસેથી શિખાએ છીએ, અમે નવા મંત્રી છીએ. ગૃહમાં ટપોરી જેવા શબ્દનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે વિડિયો પ્લે કરીને જોઈ શકો છો કે મારા એવા સંસ્કાર નથી અધ્યક્ષ વિડિયો જોઈ નિર્ણય લઈ શકે છે.