Rain Update:  હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઇકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીના વરસતા હાઇવે પાણી ભરાઇ ગયા છે.


રાજકોટ જિલ્લામાં સવારથી ભારે વરસાદના કારણે ભારે વરસાદથી સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં એક સાથે ગઇકાલે  12 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.


રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા ગયા છે, મોજ નદીના બે દરવાજા ખોલતા નદીમાં ઘોડાપુર આવતા  ગઢાળા પાસે આવેલ કોઝ-વે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વાહન વ્યહાર પ્રભાવિત થયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદના કારણે ધોરાજીમાં ભાદર 2 ડેમમાં પાણીની ભારે આવક થતા . ભાદર 2 ડેમના પાંચ દરવાજા ખોલી દેવાયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.


રાજકોટના જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોરાજીમાં અનેક ખેતરોમાં પાણી ભરાયા છે.ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. કપાસ સહિતના પાકને નુક્સાન થવાની ભીતિ  સેવાઇ રહી છે. ઉપલેટા અને ધોરાજીમાં ફરી સવારથી જ વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે.


ગીર સોમનાથમાં શું છે સ્થિતિ


સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથ છેલ્લા 18 કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વેરાવળ સહિતના અનેક શહેર અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.વેરાવળ, તાલાલા, સુત્રાપાડાના રહેણાંક વિસ્તારોમાં પાણી  ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.  ગીર સોમનાથ જિલ્લાના તમામ નદી-નાળામાં પાણીની ભારે આવક થઇ રહી છે. ગીર સોમનાથના સોનારીયા સહિતના ગામ બેટમાં ફેરવાયા છે. જેના કારણે અનેક ગામોમાં ઘુસી ગયા છે. ભારે વરસાદના કારણે તાલાલા અને વેરાવળમાં અનેક ઠેકાણે સ્થળાંતર શરૂ  કરવાની ફરજ પજડી છે. ભારે વરસાદના પગલે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે.


 જૂનાગઢ જિલ્લામાં અનરાઘાર વરસાદ


જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળીયા હાટીના, મેંદરડા, માંગરોળમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. જૂનાગઢના સોંદરડા ગામ પાસે ખેતરોજળમગ્ન થઇ જતાં ખેડૂતો ચિંતત થયા છે. માળીયા હાટીનું જામવાડી ગામ જળમગ્ન થઇ જતાં  માલધારીઓ પશુઓ લઈને રોડ પર પહોંચી ગયા હતા. જામવાડીની ગૌશાળા સહિત દલિતવાસના ઘરોમાં  પાણી ઘૂસી જતા ઘરવખરી ને ભારે નુકસાન પહોંચ્યું છે.