ગાંધીનગર: રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પૂર્વયોજિત ષડ્યંત્રના ભાગરૂપે બિનસચિવાલયની પરીક્ષાનું પેપર લીક થયાનું તથા નાણાં આપવા માટે તૈયાર થયા હોય તેવા ઉમેદવારોને પેપર મોકલાયા હોવાનું સ્વીકાર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની વિવિધ કચેરીમાં બિન સચિવાલય કારકૂન વર્ગ-૩ની ભરતી માટે 17 નવેમ્બરના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા. ત્યાંથી 17મી નવેમ્બરે સવારે 10 કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા. જોકે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.

આ અંગે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ કહ્યું પોલીસ દ્વારા હવે અલગ-અલગ ટીમો બનાવી જે પણ આક્ષેપો થયા અને પુરાવા અપાયા છે તેની તપાસ કરાશે. અમે ગૌણસેવા પસંદગી મંડળ તથા એસઆઈટી પાસે રહેલા પુરાવા અને વિગતો મેળવીશું. તપાસ સંપૂર્ણ પારદર્શી રીતે રીતે થશે.