અમદાવાદ: હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે. આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે. 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.
ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે. ડીસામાં માર્કેટયાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને લઈને ખેડૂતોને સૂચના આપી છે. પાટણ એપીએમસીએ પણ ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જાહેર કરી છે. ખેત પેદાશોને ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના અપાઈ છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ માવઠાની આગાહીને જોતા ખાસ તૈયારી કરી છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. કપાસ સહિતના અન્ય પાકો માટે શેડની પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, 16.2 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ રહ્યું
ભેજનું પ્રમાણ વધતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા 16.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરતનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.
ગાંધીનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 19 ડિગ્રી અને ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા 16.02 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સુરત શહેરમાં 21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો જરોદાર ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.