હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી. આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે. સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે. આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ ડાંગમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાપુતારા અને તેના તળેટીના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. 

કાળઝાળ ગરમીની પણ આગાહી

એક તરફ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ કાળઝાળ ગરમીની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ ઝરતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાંતોના મુજબ આ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. રવિવારે અમદાવાદ શહેરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે આકરા તાપના કારણે શહેરના રોડ રસ્તાઓ સૂમસામ બન્યા હતા. લોકો આગ વરસાવતી ગરમીથી બચવા બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો આ તરફ 41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. 

Continues below advertisement
Continues below advertisement

ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર

દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગે છ રાજ્યોમાં પ્રચંડ ગરમીની આગાહી કરી છે. જેમાં રાજસ્થાન,દિલ્હી, યૂપી, પંજાબમાં હીટવેવનું એલર્ટ અપાયું છે. આ રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે યૂપીના પ્રયાગરાજ અને વારાણસીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચી ગયો. તો રાજસ્થાનના કોટામાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. જે સરેરાશ કરતા 3.3 ડિગ્રી વધારે છે. તો હરિયાણાના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું છે. રોહતકમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ તરફ પંજાબમાં લૂના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પંજાબના ભટિન્ડામાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ ગરમીનું જોર વધવાની આગાહી કરાઈ છે.