અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત ગ્રામીણ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા. વરસાદથી કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તાલાલા, મેંદરડા, સાસણ અને માલિયા ગીરના ગામોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ચોમાસાની ઋતુએ વિદાઈ લઈ લીધી છે અને દિવાળીના તહેવારને ગણતરીને દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે વરસાદથી ખેતી પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની આગાહી અપાઈ છે.
અરબી સમુદ્રમાં સાઈક્લોનીક સરક્યૂલેશના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ વધારો થશે. આજથી બે દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટાંની સાથો સાથ દરિયો પણ તોફાની બનશે અને ભારે પવન ફૂકાશે તેવું પણ જણાવાયું છે.