ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી
abpasmita.in | 22 Oct 2019 04:06 PM (IST)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી ટાણે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની વચ્ચે વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. દરમિયાન રાજ્યના પોરબંદર, રાજુલા, દિવ પંથક અને સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. પોરબંદરના માધુપુરમાં માવઠું પડ્યું છે. માધવપુરમાં વરસેલા કમોસમી વરસાથી બજારોમાં પાણી ફરી વળ્યા છે. ધીમી ધારે પડેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો છે. અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. રાજુલાના માંડરડી, આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાથી રાજુલા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. રાજુલાથી સાવરકુંડલા વચ્ચે આંબરડી અને ધારીના દલખાણિયા ગામે વરસાદ વરસતાં ખેડૂતોને મોટું નુકશાન જવાની શક્યતા છે. વરસાદના આવવાથી અમરેલી જિલ્લાની વિવિધ એપીએમસીમાં ખેત જણસો લઈને આવેલા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ માવઠુ પડ્યું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીને નુકશાન થવાની ભીતી છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયું છે. જુથળ, પાણીધ્રા, ગળોદર, ભંડુરી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો બપોરે વરસી ગયા છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ પડતાં ડાંગરના ઊભા પાકને નુકશાન થયું છે. કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન જવાની શક્યતા છે.