Unseasonal Rain: રાજ્યમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીની વચ્ચે હવે માવઠાએ જોર પકડ્યુ છે. આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લામાં માવઠુ થયુ છે, અચાનક માવઠાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ વાત છે કે, હવામાન વિભાગ દ્વારા આ પહેલા જ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત 7 જાન્યુઆરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, આગામી 8 થી 10 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે.


હાલમાં જ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાંપટા શરૂ થયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ માવઠું શરૂ થયુ છે. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માગસર મહિનામાં વરસાદી ઝાપટું થયુ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ વધશે. માવઠુ થતાં જ ખેડૂતોમાં ચિંતા પેઠી છે, માવઠાની અસરથી કેટલાય પાકોને મોટુ નુકસાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે. 


અંબાલાલ પટેલના મતે 11 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ઉત્તરાયણના પર્વ પર સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે. કમોસમી વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને ખેતીવાડી અને બાગાયત વિભાગને પત્ર લખ્યો છે. આ પત્રમાં સૂચના અપાઈ કે માવઠાની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં અનાજ ખુલ્લામાં ન રાખવા. આજે પણ કચ્છનું નલિયા  સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટ અને કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


વરસાદી ઝાંપટાવાળો રહેશે જાન્યુઆરી, કયા વિસ્તારોમાં ક્યારે પડશે કમોસમી વરસાદ, વાંચો અંબાલાલની અગાહી


ગુજરાતના વાતાવરણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, તે પછી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં બીજા સપ્તાહથી ક્યાંક હિમ વર્ષા તો ક્યાંક કમોસમી ઝાંપટા પડશે. જાન્યુઆરીમાં અલનીનૉની અસર ગુજરાતમાં પણ પણ જોવા મળશે. આ કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીનું જોર વધી શકે છે. 


હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના અંગે મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યુ છે કે, નવા વર્ષે આગામી 3 થી 6 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં વાદળવાયુ રહેશે. પશ્ચિમ વિક્ષેપની ગતિવિધિ મંદ હોવાના કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહથી હવામાનમાં ભારે પલ્ટો આવશે. અરબ સાગરમાં વેલમાર્ક લૉ પ્રેશર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિને લઈ દેશના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. અલનીનોની અસરના કારણે વિષમ હવામાનની સ્થિતિ સર્જાશે. જાન્યુઆરી માસમાં ભારે ઠંડીનો અનુભવ થશે.