ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ માર્ચથી વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ચાર અને પાંચ માર્ચે કચ્છ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં કમોસમી વરસાદ વરસશે. તો, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ બન્યુ છે. પ્રશાસને ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી છે.


માર્ચની શરૂઆત સાથે જ રાજ્યમાં ગરમીનો પારો વધતો જોઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં ચાર ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે રાજ્યના દસ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં જ ત્રણ કલાકમાં જ 10 ડિગ્રી ગરમી વધી ગઈ હતી. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગાંધીનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે ભૂજમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ તરફ અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 37.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં 37.2 ડિગ્રી, તો કેશોદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયુ. ડીસામાં 36.2 ડિગ્રી, તો વડોદરા અને વલસાડમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચ્યો હતો. સુરતમાં 35.8 ડિગ્રી તો વલ્લભવિદ્યાનગર અને મહુવામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  તો ભાવનગરમાં ગરમીનો પારો 35.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. હજુ આગામી 48 કલાક ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


 


Panchmahal: મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના લોકોની આરોગ્ય સુખાકારીમાં થશે વધારો, ESCI હોસ્પિટલને મંજૂરી


Panchmahal News:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે.  આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે.


વડોદરા સુધી નહીં થવું પડે લાંબુ


ઋષિકેશ પટેલે જણાવ્યું કે,100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલ જીલ્લાના ઔધોગિક વિસ્તારની સાથે સાથે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે.તેઓને હવે તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહીં પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે.


આ ઉપરાંત તેમણે કહ્યું, રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલ જિલ્લામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.


  પંચમહાલ જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, 2020ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે. હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે.
હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલા કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે.