Unseasonal Rain : રાજ્યમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, નવસારી અને ડાંગમાં માવઠું પડશે તેવી સંભાવના છે. 24થી 28 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસશે. જ્યારે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


તો 25 નવેમ્બરે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. 26 નવેમ્બરે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસશે. 27 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.                                  


જો કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે અને વરસાદ બાદ તાપમાન 4 ડિગ્રી ઘટશે. આ સાથે જ હવામાન નિષ્ણાંતે પણ 25થી 27 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી હતી. કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.             


ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે. ડીસામાં માર્કેટયાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને લઈને ખેડૂતોને સૂચના આપી છે. પાટણ એપીએમસીએ પણ ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જાહેર કરી છે. ખેત પેદાશોને ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના અપાઈ છે.               


તો રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ માવઠાની આગાહીને જોતા ખાસ તૈયારી કરી છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. કપાસ સહિતના અન્ય પાકો માટે શેડની પૂરતી વ્યવસ્થા કરાઈ છે.