અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પ્રિમોનસુન યથાવત રહેશે. ઉત્તર ગુજરાત , બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે.
10 મે સુધી છૂટોછવાયો વરસાદ
અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉતર અને મધ્ય ગુજરાતમાં તારીખ 10 મે સુધીમાં છૂટોછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે. 11થી 20 મે સુધી વંટોળનું પ્રમાણ વઘશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે
રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સમયે પવનની ઝડપ 50 થી 80 કિમી પ્રતિ કલાક સુધી જઇ શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે.
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાના કારણે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે. આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 9 મેના શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.